શુક્રવાર, 20 જુલાઈ, 2012

સુપરસ્ટાર રાજેશ ખન્ના

મુંબઈ – બોલીવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના નિધન પર બોલીવૂડના અનેક ફિલ્મ દિગ્દર્શકો, કલાકારો તથા ખન્ના જેમની સાથે સંકળાયેલા હતા એ તમામે આ મહાન અભિનેતાને ભવ્ય શબ્દાંજલિ આપી છે અને કહ્યું છે કે ખન્નાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.

શાહરૂખ ખાનઃ ખન્નાનું સ્માઈલની હંમેશા ખોટ સાલશે.

શર્મિલા ટાગોરઃ ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર હતા અને અન્ય કોઈ પણ કલાકારને એમની જેટલા પ્રશંસકો મળ્યા નથી. એમની જેટલું આકર્ષણ અન્ય કોઈ અભિનેતાએ કર્યું નથી.

શબાના આઝમીઃ એ સુપરસ્ટાર હતા અને એમના જેવા બીજા કોઈ નહીં. એમનું સ્માઈલ અત્યાર સુધી મન મોહી લેનારું હતું. યુવતીઓ એમને જોઈને પાગલ થઈ જતી હતી. રાજેશ ખન્ના મદહોશ કરી દેનારા હતા.

માધુરી દીક્ષિતઃ રાજેશ ખન્નાજીના શોકાતુર પરિવાર પ્રત્યે સંવેદના. રાજેશ ખન્ના હંમેશા યાદ રહી જશે. એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.

મન્ના ડેઃ રાજેશ ખન્નાનું નિધન બોલીવૂડ માટે મોટી ખોટ સમાન છે. એમના અભિનયે મેં ગાયેલા ગીતને અમર બનાવી દીધું. (જિંદગી કૈસી હૈ પહેલી હાયે…)

સુભાષ ઘઈઃ એ હિન્દી ફિલ્મ ઉદ્યોગના પાવરહાઉસ હતા. હું એમને આરાધના ફિલ્મના સેટ પર મળ્યો હતો. એમનામાં કોઈક પ્રકારની અનોખી ઊર્જાશક્તિ હતી. તમે એમની સાથે રહો તો તમને પણ ઊર્જા મળે. એમનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે.

વૈજયંતીમાલાઃ મારી કમનસીબી હતી કે મને એમની સાથે કામ કરવાની કોઈ તક ન મળી, કારણ કે એ મારાથી ઘણા પાછળથી આવ્યા હતા.